જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત. હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!
No comments:
Post a Comment